(૨) બાપા અને બા
December 28 2015
Written By Sureshbhai Trivedi
મારા જીવન ઘડતરમાં સૌથી મોટો પ્રભાવ પડ્યો હોય તો તે મારા બાપા અને બાનો હતો. મારા બાપા, ચીમનલાલ ત્રિવેદી, સરળ સ્વભાવના આનંદી માણસ અને આજન્મ શિક્ષક. ઊંચું ભરાવદાર શરીર, ગોળ મોઢું, મોટી પ્રેમાળ આંખો, માથે ચમકતી ટાલ, દૂધ જેવા સફેદ ઝભ્ભા ઉપર કાળી બંડી પહેરે, તેવુંજ સફેદ ધોતિયું અને પગમાં ચામડાની સાદી મોજડી. દેખાવ પરથીજ પ્રભાવશાળી વડીલ તરીકે માન આપવાનું મન થાય તેવું વ્યક્તિત્વ. ઓછાબોલો સ્વભાવ પણ મનપસંદ વિષય પર વાત કરવાની તક મળે તો કલાકો સુધી અસ્ખલિત બોલી શકે.
તે જમાનામાં ચુસ્ત કહેવાય એવા બ્રાહ્મણ પરિવારમાં જન્મ એટલે બાપા પણ ધાર્મિક ભાવનાવાળા હતા, પરંતુ તેઓ કર્મકાંડમાં ખાસ શ્રદ્ધા રાખતા નહિ. તેઓ દરરોજ ગીતાપાઠ અને માળા કરતા, પણ સેવાપૂજા અને ટીલાંટપકાંમાં માનતા નહિ. ચાલવા નીકળે તો મંદિરે જાય, પરંતુ દરરોજ મંદિરે જવું જ જોઈએ તેવું માને નહિ. ખરેખર તો તેઓ વાસ્તવવાદી હતા. તેઓ એટલા ફરજપરસ્ત હતાં કે તેમને આદર્શ બ્રાહ્મણને બદલે આદર્શ શિક્ષક થવું વધારે પસંદ હતું. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : I યોગ: કર્મસુ કૌશલમ્ I અર્થાત પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ. ગીતાનો આ ઉપદેશ તેમણે બરાબર પચાવ્યો હતો. તેમણે શિક્ષક તરીકેના ધર્મનું ચોકસાઈપૂર્વક અને ચીવટપૂર્વક પાલન કરવા બ્રાહ્મણધર્મના પાલનમાં થોડીઘણી બાંધછોડ કરી હતી.
શિક્ષક તરીકે તેઓ પ્રેમાળ પણ કડક શિસ્તપાલનના આગ્રહી. સમયપાલનના એવા પાબંદ કે રહેઠાણ અને નિશાળ જોડે જ હતાં, પણ દરરોજ સમય પહેલાં જ નિશાળમાં હાજર થઇ જાય અને સાંજે સમય પૂરો થયા પછી જ ઘેર જાય. બાજુમાં જ ઘર હોવા છતાં નિશાળના સમય દરમ્યાન ક્યારેય જમવા માટે કે ચા પીવા માટે પણ ઘેર ન જાય.
વિદ્યાર્થીઓને ભણાવવાની તેમની પદ્ધતિ સરળ અને જલ્દી સમજણ પડે તેવી હતી. તે સમયમાં ગણિતનો વિષય ખૂબ અગત્યનો પરંતુ ઘણો અઘરો વિષય ગણાતો. શાળામાં કોઈપણ ઇન્સ્પેકશન આવે તો વિદ્યાર્થીઓને ગણિતના જ સવાલ પૂછાતા અને ગણિતના વિષયની આવડત મુજબ જ વિદ્યાર્થીની હોશિયારી નક્કી થતી. તેથી ગણિતનો વિષય સારી રીતે ભણાવી શકે તેવા શિક્ષકને ઘણું માન મળતું. બાપા ગણિતના વિષયના ઊંડા જાણકાર હતા. ઉપરાંત ગણિત જેવો અઘરો વિષય દાખલા (ઉદાહરણ) આપીને એવી રીતે સમજાવતા કે વિદ્યાર્થીઓને તરત જ ગળે ઉતરી જતું. આજ રીતે બીજા બધા વિષય પણ તલ્લીનતાથી અને ઓતપ્રોત થઈને ભણાવતા. તેમની પાસે ભણવામાં વિદ્યાર્થીઓને એટલી મજા પડતી કે વિદ્યાર્થીઓ તેમના પિરીયડની રાહ જોતા. તેમની ભણાવવાની પદ્ધતિ તેમના ઘણા વિદ્યાર્થીઓ આજે પણ યાદ કરે છે.
ભણાવવા ઉપરાંત ચિત્રકામ, કાગળકામ, પૂઠાકામ, ગીત-સંગીત, નાટક, રમતગમત, કસરત જેવી દરેક ઈતર પ્રવૃત્તિમાં પણ તેમની કુશળતા હતી અને વિદ્યાર્થીઓ આ બધી કળાઓમાં રસ લે અને નિપૂર્ણ થાય તેવા પ્રયત્ન તેઓ કરતા.
વિદ્યાર્થીઓ અને ગામલોકોમાં બાપાની લોકપ્રિયતાનું બીજું એક કારણ હતું તેમની વાર્તાઓ કહેવાની આવડત. તે જમાનામાં મનોરંજનના એક સાધન તરીકે સારી રીતે વાર્તાઓ રજૂ કરી શકે તેવી વ્યક્તિઓનું ઘણું મહત્વ હતું. બાપા પૌરાણિક તથા ઐતિહાસિક કથાઓના અભ્યાસુ હતા અને લોકોને રસ પડે તેવી શૈલીમાં વાર્તાઓ કહેવામાં નિપૂર્ણ હતા. બાપા જયારે મહાભારત તથા રામાયણના પ્રસંગો કે પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ કે શિવાજી મહારાજની વાર્તાઓ કહેવાની શરુ કરે ત્યારે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ બીજા શિક્ષકો અને ગામલોકો પણ એકઠા થઇ જતા અને કલાકો સુધી રસથી વાર્તા સાંભળતા.
પુસ્તકવાંચનનો બાપાને ઘણો શોખ અને વિદ્યાર્થીઓ વધુ ને વધુ પુસ્તકો વાંચે તેવો તેમનો આગ્રહ. તેમણે જે જે શાળાઓમાં કામ કર્યું, ત્યાં બધેજ વ્યવસ્થિત પુસ્તકાલયની સ્થાપના કરી. પુસ્તકો માટે સરકારી બજેટ તો બહુ ઓછું મળતું, તેથી ફંડ ઉભું કરવા વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં નાટકનું આયોજન કરી, બધા ગામલોકોને એકઠા કરતા અને જાતે લોકોને સમજાવી ગામફાળો એકત્ર કરી તેમાંથી પુસ્તકો મંગાવતા. આ પુસ્તકાલયની સગવડ વિદ્યાર્થીઓ ઉપરાંત ગામલોકો માટે પણ નિ:શુલ્ક ઉપલબ્ધ રહેતી, જેથી ગામલોકો પણ તેનો ઘણો લાભ લેતા.
તે જમાનામાં ખેતીના વ્યવસાયમાં જોડાયેલાં પરિવારોને બાળકોને ભણાવવાની જરૂર લાગતી નહિ, તેથી બાળકોમાં ભણતરનું પ્રમાણ ઘણું ઓછું હતું. આથી બાપા ગામના દરેક વાલીને મળીને તેમના બાળકને ભણવા મોકલવા સમજાવતા. તેમના પ્રયત્નોથી ભણી શકેલા ઘણા લોકો બાપાને યાદ કરતા મેં જોયા છે. નિ:સ્વાર્થભાવે કરેલા તેમના પ્રયત્નોથી ગામલોકોમાં તેમના માટે ઘણું માન અને આદર હતાં. તેઓ લોકપ્રિય શિક્ષક હતા અને ગામમાંથી તેમની બદલી ન થાય તે માટે ગામલોકો અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા. બધા ગામલોકો તેમને ‘સાહેબ’ કહેતા, એમાં સાહેબ તેમનું ઉપનામ બની ગયું હતું. આજે પણ માડકા ગામમાંથી કોઈ મળે તો બાપાનું નામ લીધા સિવાય ‘સાહેબ’ ના રેફરન્સથી જ વાત કરે છે.
બાપાના શિક્ષક તરીકેના જ્ઞાન અને અનુભવનો મને ઘણો લાભ મળ્યો. ૭મા ધોરણ સુધી તેમની પાસેજ ભણવાનું થયું. આથી વારસામાં મળેલ ગુણ ઉપરાંત મારું ગણિત પાકું થયું, ભણવામાં, ચિત્રકામ અને પૂઠાકામ જેવી કળાઓમાં અને ઈતરવાંચનમાં રૂચી વધી, જેથી ભવિષ્યની પરિક્ષાઓમાં ઉચ્ચ કક્ષાઓ મેળવવાનો પાયો તૈયાર થયો. એક આડવાત. હું ભણવામાં હોશિયાર હોવાથી બાપાનો ફેવરીટ વિદ્યાર્થી હતો. છતાં એકવાર મેં લેશન (હોમવર્ક) નહોતું કર્યું, ત્યારે બીજા વિદ્યાર્થીઓ સાથે મને પણ બાપાએ વર્ગમાં ઉભા રહેવાની સજા કરેલી. બાપ-બેટાનો સંબંધ તે વર્ગમાં ના ચલાવતા. આંખોમાંથી ટપકતાં આંસુ સાથે ઉભા રહીને લેશન પૂરું કર્યું ત્યારેજ સજા પૂરી થઇ. પછી તો હું એટલો સતર્ક થયો કે બીજીવાર સજા મળે તેવી ભૂલ ફરી ક્યારેય ના કરી.
એકવાર ગામમાં નાટકમંડળી આવેલી. તે સમયે નાટક ચાલતું હોય તે જ વખતે નાટકનાં અમુક પાત્રો પ્રેક્ષકો વચ્ચે આવીને પ્રતિષ્ઠિત માણસો પાસેથી ફાળો ઉઘરાવે. જેવો તે વ્યક્તિ ફાળો જાહેર કરે કે તરતજ આ પાત્રો મોટેથી જાહેરાત કરે કે “ફલાણા ભાઈ અમુક રૂપીયાનો ફાળો આપે છે.” એટલે ચાલુ નાટક અટકાવી મંડળીના બધા સભ્યો જે તે વ્યક્તિનો જયજયકાર બોલાવે. આમ ફાળો લખાવનારની જાહેરમાં વાહવાહ થાય. એકવાર બાપાએ ફાળો લખાવ્યો, પણ નામ આપ્યું ‘રામ ભરોસે’. તેથી તેમના નામની જાહેરાત ન થઇ. મારા બાલમિત્રો પોતપોતાના વાલીઓના નામની જાહેરાતથી પોરસાતા હતા. તેથી મારી તે વખતની બાળકબુદ્ધિ મુજબ ફાળો આપવા છતાં બાપાના નામની જાહેરાત ન થઇ તે મને પસંદ ન પડ્યું. બીજા દિવસે મેં નારાજગી વ્યક્ત કરી ત્યારે બાપાએ મને ગુપ્તદાનનું મહત્વ સમજાવ્યું કે આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે તે મુજબ જમણા હાથેથી દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર ન પડે તેમ દાન કરવું જોઈએ.
તે વખતે તો મને આ વિચારસરણીમાં ખાસ સમજણ પડી ન હતી, પરંતુ જ્ઞાન અને અનુભવ મેળવ્યા પછી મને સમજાયું કે કોઈ પણ સારું કાર્ય સમાજમાં દેખાડો કર્યા સિવાય કરીએ તો જ તેનું સાચું મહત્વ છે. દાન કરવાથી પુણ્ય મળે છે, તેમ દરેક શાસ્ત્ર કહે છે. પરંતુ દાનની જાહેરાત કરીને યશ મેળવીએ તો દાનનો બદલો યશની પ્રાપ્તિ મારફત ત્યાં જ ચૂકવાઈ જાય છે અને ભગવાનને ચોપડે કશું પુણ્ય જમા રહેતું નથી. અર્થાત્ દાનની રકમની આરસપહાણની તકતીમાં જાહેરાત કરવામાં આવે તો ભગવાનને ચોપડે એવી નોંધ થાય કે એટલી રકમમાં આરસપહાણની તકતી ખરીદવામાં આવી છે. આમ આ એક વ્યાવહારિક સોદો કહેવાય, દાન ના કહેવાય. બાપાની આ શીખ અનુસરવાનો મેં જયારે પણ પ્રયાસ કર્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે આ ઘણું મુશ્કેલ કાર્ય છે. તમે માનતા ન હો તો પ્રયત્ન કરી જોજો. કદાચ આ વિચારસરણી ગીતાના યાદગાર સંદેશ “કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેષુ કદાચન -કર્મ કરો, પણ ફળની આશા ન રાખો” પર આધારિત હશે – “દાન કે પુણ્ય કરો પણ યશની આશા ન રાખો.”
થોડું વધુ વિચારતાં આ વિચારસરણી એવા લોકોને પણ લાગુ પડે છે, જેઓને પોતે કરેલું નાનું એવું સદ્કાર્ય પણ વારંવાર ગણાવવાની ટેવ હોય છે. સામાજીક સંબંધો જાળવવા લોકોને પોતાનાં સગાસંબંધીઓ, મિત્રો, પડોશીઓ અથવા સમાજ માટે કોઈવાર ઘસાવું પડે છે. આવા સંજોગોમાં સામાન્ય માણસો પોતે બીજા માટે કેટલો ભોગ આપ્યો છે તે વહેલામાં વહેલી તકે અને વધુમાં વધુ વ્યક્તિઓને જાહેર કરતા રહે છે, જયારે ઉત્તમ માણસો કયારેય પોતાનાં સદ્કાર્યોની જાહેરાત કરતા નથી.
હવે મૂળ વાત પર આવીએ. બાપા પોતાના દૂરંદેશીપણાથી બદલાતા સમય સાથે ઊચ્ચ ભણતરનું મહત્વ વધશે તે સમજી ચૂક્યા હતા. તેથી અમે ત્રણે ભાઈબહેનને ઉત્તમ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્ન તેમણે કર્યા. મને પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી નજીકની વાવ હાઈસ્કૂલમાં ભણવા માટે મોકલ્યો. પરંતુ ત્યાંનું શિક્ષણનું સ્તર બરાબર ન લાગતાં તેમણે અમે બંને ભાઈઓને અમારા ગામથી ૧૦૦ કીમી દૂર આવેલા પાલનપુર (બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક) ખાતે ભણવા મોકલ્યા. અમે ઘરથી દૂર અને હોસ્ટેલના વાતાવરણમાં રહીને સારી રીતે ભણી શકીશું એવી ખાત્રી થયા પછી બીજા વર્ષે તેમણે અમને ૨૫૦ કીમી દૂર આવેલા અમદાવાદ શહેરમાં મોકલ્યા. અમદાવાદમાં ગુજરાતની શ્રેષ્ઠ એજ્યુકેશન સગવડ હતી, પરંતુ તે જમાનામાં આર્થિક કારણોસર અમારા વાવ તાલુકામાંથી હાઈસ્કૂલથી આગળ કોલેજ કરવા બહુ જ ઓછા વિદ્યાર્થી જતા અને તેમાંય અમદાવાદ સુધી તો ભાગ્યે કોઈ જતું. પરંતુ બાપાએ અમને બંને ભાઈઓને પોસ્ટગ્રેજ્યુએશન સુધી ભણાવ્યા. તે વખતના શિક્ષકના ટૂંકા પગારમાંથી એકસાથે બે સંતાનોનો અમદાવાદ જેવા દૂરના અને ખર્ચાળ શહેરમાં કોલેજના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ કાઢવો એ ઘણું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ તેમણે હસતાં હસતાં આ કાર્ય પૂરું કર્યું. તેમના સ્વભાવ અને સિદ્ધાન્ત મુજબ તેમણે જિન્દગીપર્યંત અમને કયારેય કહ્યું પણ નથી કે અમને બંને ભાઈઓને ભણાવવામાં તેમણે કેટલી તકલીફ ભોગવી, કેટલી સુખસગવડોનો ત્યાગ કર્યો અને કેટલી જીવનજરૂરી ચીજોનો પણ અભાવ વેઠ્યો. આજે અમે બંને ભાઈ ભણીગણીને જિંદગીમાં પોતપોતાની રીતે ઘણાં સફળ અને સુખી થયા છીએ, તે બાપાનાં દૂરંદેશી, સ્નેહ, ત્યાગ અને આશીર્વાદથી જ છીએ અને તેમનો ઋણસ્વીકાર કરીએ છીએ.
બાપાની આદર્શ શિક્ષકની ભૂમિકામાં અને અમારા સુંદર ઉછેરમાં મારાં બાનો ફાળો ઘણો મોટો હતો. મારાં બા, સરસ્વતીબેન કર્મશીલ ગૃહિણી, ક્રિયાશીલ શિક્ષકપત્ની અને પ્રેમાળ માતા હતાં. તે જમાનામાં કન્યા કેળવણી નહિવત હતી. તેથી તેમણે પણ અક્ષરજ્ઞાન મેળવેલું નહિ. પરંતુ શિક્ષકપત્ની તરીકે ‘અભણ’ની છાપ તેમને મંજુર ન હતી. તેથી લગ્ન પછી તેમણે બાપા પાસે ભણવાનું શરુ કર્યું અને તેમાં સારી હથોટી પણ મેળવી. તે પછી તો ગામની સ્ત્રીઓને ભાગવતના પાઠ કે ઓખાહરણની વાર્તા કડકડાટ વાંચી સંભળાવી તેનો વિસ્તાર અને અર્થ સમજાવતાં તેમને જૂઓ તો તમે કલ્પી પણ ના શકો કે તેમણે ભણવા માટે સ્કૂલમાં પગ પણ મુક્યો ન હતો.
બા ઘરનું બધું કામ જાતેજ કરતાં અને તે પણ ભારે ચીવટ અને ચોકસાઈથી. આજની ગૃહિણી રસોઈગેસ, ફ્રીજ, મિક્ષર અને માઈક્રોવેવ ઓવન જેવાં આધુનિક ઉપકરણો અને ચોવીસ કલાક નળમાં વહેતા પાણીની સગવડ હોવા ઉપરાંત મોટા ભાગનું ઘરકામ ઘરઘાટી કે કામવાળી બાઈ પાસે કરાવે છે છતાં બાકીનું કામ કરવામાં પણ થાકી જાય છે. તેમને કદાચ કલ્પના પણ નહીં આવે કે તે વખતે ગૃહિણીઓને કેટલું બધું ઘરકામ કરવું પડતું અને તે પણ ભારે શારીરિક શ્રમ સાથે. સવારે વહેલા ઉઠીને પથ્થરની ઘંટી પર અનાજ દળવા બેસવાનું, તે પછી બેડું લઈને ગામના કુવે પાણી ભરવા જવાનું અને ત્યાં કૂવામાંથી ડોલથી પાણી સીંચીને કાઢવાનું. આખા કુટુંબ માટે પીવાનું અને વાપરવાનું બધું પાણી માથા પર ઉપાડીને જ લાવવું પડતું. આથી આવા ત્રણચાર ફેરા તો કરવા જ પડે. ઘેર આવીને ઘરની સાફસફાઈ કર્યા પછી ચૂલામાં લાકડાં અને છાણાં વડે ચા બનાવવાની અને ન્હાવા માટે પાણી ગરમ કરવાનું. ઘરના બધા સભ્યોને ન્હાવાનું પતી જાય એટલે બધાનાં કપડાં ધોવાનાં. તે પછી રસોઈ કરી બધાંને જમાડવાના અને પછી વાસણ તથા રસોડાની સફાઈ કરે ત્યારે નોનસ્ટોપ કામ કર્યા છતાંય બપોરના બે તો વાગી જ ગયા હોય.
બપોર પછીના સમયમાં વધારાનું કામ શરુ થાય જેમકે અનાજની સાફસફાઈ કરવાની, કારણકે તે વખતે આજની જેમ વિણાટ અનાજ નહોતું મળતું. ઉપરાંત કોઈવાર વડી કે પાપડ બનાવવાના હોય કે કોઈવાર બટાકાની કાતરી કે બીજી સુકવણી બનાવવાની હોય, કેમકે તે પણ આજની જેમ તૈયાર નહોતાં મળતાં. કોઈવાર ફાટેલાં કપડાં સાંધવાનાં હોય કે કોઈ દિવસ જૂનાં કપડાંમાંથી ગોદડાં બનાવવાનાં હોય. કોઈવાર મગ ભરડીને મગની દાળ બનાવવાની હોય તો કોઈવાર ચાનો મસાલો લોખંડના ખાંડણીયામાં ખાંડીને (મિક્ષરમાં નહિ) તૈયાર કરવાનો હોય. બપોરનું કામ પૂરું થાય ત્યાં સાંજની રસોઈ બનાવવાનો સમય થઇ જાય. સાંજે રસોઈ બનાવી, બધાને જમાડી, વાસણ તથા રસોડાની સફાઈ કરવાની. તે પછી ફાનસની સફાઈ કરી કેરોસીન પૂરી ફાનસ પ્રગટાવી અજવાળું કરવાનું. છેલ્લે ખાટલા ઢાળીને બધાની પથારીઓ પાથરીને તૈયાર કરે, ત્યારે બાનો દિવસ પૂરો થાય. આટઆટલું કામ છતાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ સવારે દસ વાગ્યાના ટકોરે બાપાનું ભાણું તૈયાર હોય. કયારે પણ જમવામાં મોડું થવાથી બાપાને કે અમારે સ્કુલે જવામાં મોડું થયું નહોતું.
તે જમાનામાં વીજળી હતી નહી, જેથી ફ્રિજ નહોતાં કે બરફ મળતો નહી. આથી ઉનાળામાં પીવાનું પાણી ઠંડુ રાખવામાં ઘણી મુશ્કેલી હતી. બાને પાણી ઠંડુ રાખવાની ઘણી ચીવટ. કુંભારને ત્યાં જઈને જાતે પસંદ કરીને મહા મહિનામાં બનેલાં મોટાં મોટાં માટલાં લઇ આવે અને તેના પર કંતાનનું કપડું બાંધી તેને સતત ભીનાં રાખે. દર કલાકે માટલામાં પાણી અંભોરે (ઉમેરે). માટલા ઉપર પવનની ઘણી અવરજવર થાય પરંતુ સીધો તડકો ન આવે તેનું બા સતત ધ્યાન રાખે અને માટલાની જગ્યા બદલે રાખે. ઉનાળામાં કોઈને ઘેર ન હોય તેવું ઠંડુ પાણી બા બધાને પાય. લોકો યાદ કરીનેય ઠંડુ પાણી પીવા અમારે ઘેર આવતા. ઘણા લોકો બા ને પૂછતા પણ ખરા કે અમે પણ નવાં માટલાં લાવીએ છીએ પણ તમારા ઘર જેવું ઠંડુ પાણી થતું નથી. ત્યારે બા સમજાવતાં કે નવાં માટલાં વસાવવા સાથે તેનો યોગ્ય ઉપયોગ અને કાળજી લેવી પણ એટલીજ જરૂરી છે.
માણસ પાસે સાધનસામગ્રી ઘણી હોય પણ તેના યોગ્ય ઉપયોગની જાણકારી કે કાળજી ન હોય, તો તે વસ્તુઓ તેની ક્ષમતા મુજબ પરિણામ ન આપે. તે વખતે છાપામાં એક કિસ્સો વાંચ્યો હતો. નાના ગામડાના એક અભણ રાજકારણી નસીબને જોરે ધારાસભ્ય બની ગાંધીનગર પહોંચી ગયા, જ્યાં તેમને ફર્નિચર સાથેનું સરકારી મકાન રહેવા મળ્યું. એકવાર તેમના પત્ની બાજુમાં અન્ય ધારાસભ્યને ઘેર મળવા ગયાં, ત્યારે ઠંડુ પાણી જોઇને પૂછ્યું કે તમારે પાણી આટલું ઠંડુ કઈ રીતે થાય છે. પાડોશણ બહેને જવાબ આપ્યોકે અમને ફર્નિચર સાથે ફ્રિજ મળેલું છે જેમાં પાણી ઠંડુ થાય છે. પત્નીએ ધારાસભ્યને આ વાત કરી એટલે ધારાસભ્યે જે તે અધિકારીને ફરિયાદ કરી કે અમને ફ્રીજ મળ્યું નથી. તે અધિકારીએ ઘણું સમજાવ્યું કે તેણે જાતે ફ્રીજ ધારાસભ્યના ઘરમાં મૂકાવ્યું છે. પણ ધારાસભ્ય માન્યા નહિ. આથી તે અધિકારીએ રૂબરૂ જઈને બતાવ્યું કે આ રહ્યું ફ્રીજ! ત્યારે ધારાસભ્ય બોલ્યા : એમ ! તમારે કહેવું જોઈએને કે આ ફ્રીજ છે ! અમે તો તેને કબાટ સમજીને તેમાં કપડાં મૂક્યાં છે.
બા પાસે કહેવતોનો મોટો ખજાનો હતો. રોજબરોજની વાતોમાં લોકભોગ્ય કહેવતોનો અવારનવાર ઉપયોગ કરવો એ બાની ખાસિયત. તેને લીધે તેઓ ઓછા શબ્દોમાં પણ પોતાની વાત સામાવાળાને આસાનીથી સમજાવી શકતાં. અફસોસ એ વાતનો કે બાનો આ કહેવતોનો ખજાનો અમે લેખિત સ્વરૂપે જાળવી રાખ્યો નહિ.
બા ધાર્મિક સ્વભાવવાળાં હોવાથી મંદિરે અને ભજનમંડળીમાં નિયમિત જતાં. આથી તેમને અસંખ્ય ભજનો કંઠસ્થ હતાં. બે ત્રણ કલાક સુધી સતત ગાયા કરે તો પણ તેમનાં ભજનો ખૂટે નહિ અને બા પણ ગાવામાં થાકે નહિ. મીઠી હલકથી ભજનો ગાતાં બાને સાંભળવાં તે એક લ્હાવો હતો. અમે મોટા થયા પછી પણ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે મળીને પરશ (અલકમલકની વાતો) કરતા હોઈએ, ત્યારે બાને ભજનો ગાવાની ફરમાઈશ ઘણીવાર કરતા. આમેય વીજળી નહોતી ત્યારે ગામડામાં ભજનો ગાવાં અને સાંભળવાં એ મનોરંજનનું એક મોટું સાધન હતું. બાનાં ઘણાં ભજનો અમે રેકોર્ડ કરીને સાચવી રાખ્યાં છે અને અવારનવાર આ ભજનો સાંભળીને બા ની યાદ તાજી કરી લઈએ છીએ.
બાનો કરકસરનો ગુણ ખરેખર નોંધ લેવા લાયક હતો. વસ્તુ મોંઘી હોય કે સસ્તી, પણ તેનો પૂરો ઉપયોગ કરવો, બિનજરૂરી ખરીદી કરવી નહીં અને બગાડ તો કોઈપણ વસ્તુનો થવો ન જ જોઈએ એવી તેમની દ્રઢ માન્યતા. સામાન્ય રીતે કરકસરવાળા સ્વભાવની વ્યક્તિને લોકો તે કંજૂસ છે તેમ ગણી લે છે, પરંતુ કરકસર અને કંજૂસાઈ બંનેમાં ઘણો તફાવત છે. મારી દ્રષ્ટિએ જરૂરી વસ્તુની પણ ખરીદી કે ઉપયોગ ન કરે તેને કંજૂસ કહેવાય; બિનજરૂરી વસ્તુની ખરીદી કરે, દરેક વસ્તુનો પૂરો ઉપયોગ ન કરે કે બગાડ કરે તેને ઉડાઉ કે બેદરકાર કહેવાય; અને ફક્ત જરૂરી વસ્તુની જ ખરીદી કરી તેનો પૂરેપૂરો ઉપયોગ (ઓપ્ટીમમ યુટિલાઈઝેસન) કરે તથા સાથેસાથે મફતમાં મળતી વસ્તુનો પણ ફક્ત ખપ પૂરતો જ ઉપયોગ કરે તેને કરકસરવાળી વ્યક્તિ કહેવાય. સામાન્ય ઉદાહરણ આપું તો ટૂથપેસ્ટ ખલાસ થઇ જાય, પણ નવી પેસ્ટ ન કાઢીને બે ચાર દિવસ પેસ્ટ વગર ચલાવી લે તેને કંજૂસ કહેવાય, ટૂથપેસ્ટ બે ચાર દિવસ ચાલે એટલી બાકી હોય, તેને ફેંકી દઈ નવી પેસ્ટ કાઢે તેને ઉડાઉ કે બેદરકાર કહેવાય અને ટૂથપેસ્ટ બરાબર દબાવીને છેલ્લા ટીપા સુધી તેનો ઉપયોગ કરે તેને કરકસરવાળી વ્યક્તિ કહેવાય.
બા મફતમાં મળતી વસ્તુનો પણ બગાડ સહન કરી ન શકતા. જયારે માથા પર ઊંચકીને પાણી લાવવું પડતું, ત્યારે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કર્યો તેને કદાચ જરૂરિયાત ગણીએ. પણ જયારે નળમાં છૂટથી પાણી મળતું થયું, ત્યારે પણ તેમણે પાણીનો ઉપયોગ તેવી જ કરકસરથી કર્યો. તેઓ અવારનવાર કહેતાં “પાણી અને વાણી સાચવીને વાપરવાં જોઈએ.” આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. બાપુ એક વખત નદી કિનારે બેસીને ન્હાવા-ધોવાનું કરતા હતા, ત્યારે પાણીનો માફકસરનો ઉપયોગ કરતા જોઈ એક સાથીદારે કહ્યું કે નદીમાં તો આટલું બધું પાણી છે તો છૂટથી વાપરોને. ત્યારે બાપુએ જવાબ આપ્યોકે આટલું બધું પાણી છે તે ક્યાં આપણા બાપાનું છે. તેમના કહેવાનો મર્મ એ હતો કે કુદરતે આપેલી સંપત્તિ દુનિયાના દરેક જીવોની સહિયારી માલિકીની છે, તેથી તેનો પોતાની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. આમ કરકસરની ટેવવાળી વ્યક્તિ મારી દ્રષ્ટિએ સાચી પર્યાવરણવાદી વ્યક્તિ કહેવાય.
બાએ ઘણી કરકસર કરી ઘર ચલાવ્યું જેથી કરીને અમારા બંને ભાઈઓના ઉચ્ચ શિક્ષણના ભારે ખર્ચને પહોંચી વળાયું અને સમાજના બધા વ્યવહાર પણ સારી રીતે પૂરા થઇ શક્યા. બાએ પોતાની જાત માટે તો કદાચ વધારે પડતી કરકસર કરી અને આખી જિંદગી કોઈ મોજશોખ ન કર્યાં. પરંતુ કુટુંબની જીવનશૈલીના સ્તર (સ્ટાન્ડર્ડ ઓફ લિવીંગ)માં જરાપણ ઘટાડો ન કર્યો કે સંતાનોના ભણવાના ખર્ચા ઓછા કરવાનો વિચાર પણ ન કર્યો. અમને ભાઈ-બહેનોને તે જમાનાના ધોરણ મુજબ શ્રેષ્ઠ ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું, દવાદારૂ, ઊચ્ચ શિક્ષણ ઉપરાંત બધા શોખ પૂરા કરવા માટે પણ કોઈ કસર ન રાખી. આમ કુટુંબ માટે જાત ઘસી નાખી આદર્શ ભારતીય નારીના ઉદાહરણરૂપ બની રહ્યાં. આ દુનિયામાં ભગવાન અને મા એ બે જણાનું ઋણ કોઈ વ્યક્તિ કયારેય ચૂકવી શકતી નથી, તેથી બા ની યાદ હંમેશા દિલમાં રાખીને આદરપૂર્વક પ્રણામ કરું છું.
પંચામૃત :
તમારાં બાળકો પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી તેમને ખૂબ પ્યાર કરો; છ વર્ષથી પંદર વર્ષનાં થાય ત્યાં સુધી તેમને કડક શિસ્તપાલન હેઠળ દુનિયાદારીના સારા અને માઠા અનુભવો માટે તૈયાર કરો અને તેઓ સોળ વર્ષના થાય પછી તેમની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો.
– ચાણક્ય
email: sctwav@gmail.com
bloh: www.dadajinivato.wordpress.com
More from Sureshbhai Trivedi
More Article
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.