2 |
[ સં. ખરડ ] |
स्त्री. |
ગળપણવાળા રસને ઉકાળી તથા સ્વચ્છ કરી બનાવેલી રેતી જેવી કે પહેલદાર વસ્તુ; શર્કરા. સારામાં સારી ખાંડ શેરડીમાંથી બને છે. પહેલવહેલી ખાંડ ચીન અને હિંદુસ્તાનમાં બનતી. તે વખતના યરપના અણસુધરેલા લોકો ખાંડની બનાવટ વિષે કાંઈ જાણતા નહિ અને ઈ. સ. પૂર્વે ૩૨૦ સુધીમાં એવું માનતા કે હિંદુસ્તાનમાં બરૂ જેવા લાંબા સોટામાં મધ બંધાય છે અને તે નીચોવી કાઢવાથી ખાંડ થાય છે. સેરેસન્સ લોકોએ જ્યારે રોડ્સ, સીસીલી અને સાઈપ્રસ તાબે કર્યા ત્યારે તેઓએ ત્યાં શેરડીનું વાવેતર કરી સાકર કાઢી અને ત્યારથી તેનો યરપ ખંડમાં પ્રચાર થયો. સુરખાની, કોથળીની, બૂરું, મોરસ, આરબી, બીટ, મુંબઇ બૂરુ, દેશી, લાલ જાવા અને જાવાઇ એ ખાંડની જાત છે. ખાંડની મુખ્ય ત્રણ જાત છે: (૧) હલકી ખાંડની જાત; તેમાં હરખવા, સિંધવાલિયા, હથૂવા અને ન્યુસીવાનનો સમાવેશ થાય છે. (૨) મધ્યમ વર્ગની જાત: તેમાં નવાબગૂંજ નં. ૧, નવા બગંજ નં. ૨, સરૈયા નં. ૨૦, સરૈયા ફાઈન, મોતીપુર, રામકોલા ખેતાન, દેવરિયા, મંડિયા, પ્રતાપપુર, બેલાપુર, બેતાલપુર, તમકોઇ, હરગાંવ, બહરી કેસર, મુંડેરવા, ચનપટિયા, નરકટિયા, સગોલી, સકરી, લોહાટ, ફરંદા ૧૦૧, કોટનગંજ, હરિનગર, નવાબગંજ નં. ૩, ખડા, છીતોના, લખનૌ, બળરામપુર, તુલસીપુર, સાસામુસા, વેલ્ટરગંજ અને પીળી ભીંતનો સમાવેશ થાય છે. (૩) ઊંચી જતની ખાંડ: તેમાં રામપુર રાજા, મહારાષ્ટ્ર ૨૦૦૦, મોતીપુરAAA,દેવરિયા બોલ્ડ, સરૈયા સ્ટાન્ડર્ડ, બસ્તી, મહારાષ્ટ્ર ૧૦૦૦, બુલંદ, પ્રતાપપુર સ્ટાન્ટર્ડ, કલમ, પંચરૂખી, ગોલા સ્પેશિયલ, ગૌરી સ્ટાન્ડર્ડ અને મહારાષ્ટ્ર ૩૦૦૦નો સમાવેશ થાય છે.
રૂઢિપ્રયોગ
૧. ખાંડ ખવરાવવી = ભૂલ ખવરાવવી; છેતરવું.
૨. ખાંડ ખાઇને બેસવું = (૧) ઠોકર વાગતાં બેસવું. (૨) ન ચાલતાં બેસવું.
૩. ખાંડ ખાવી = (૧) જૂઠું બોલવું. (૨) જે કહે તેવું ન હોવું. (૩) ઝખ મારવી; બધું ફોગટ થવું; વ્યર્થ જવું. (૪) ધૂળ ખાવી; (૫) ભૂલ ખાવી; છેતરાવું. (૬) મૂર્ખાઈભરેલું બોલવું. (૭) સગાઈ કરવી.
૪. ખાંડ ધોવી = (૧) ખાંડમાંથી મેલ કાઢી તેને શુદ્ધ કરવી. (૨) મીઠાઈનું જમણ કરવું.
૫. ખાંડ પીરસવી = સારૂં લગાડવું.
૬. ખાંડ ભભરાવવી = ખુશામત કરવી.
૭. ખાંડ ભરવી = મીઠું મીઠું બોલવું.
૮. ખાંડ વાપરવી = (૧) ખાંડનું જમણ કરવું. (૨) મીઠું બોલવું; ખુશામત કરવી.
૯. ખાંડનું નાળિયેર = જેમાંથી કોઇ પણ ભાગ કાઢી નાખવા જેવો ન હોય તેવી બાબત.
૧૦. ખાંડનું પાટિયું = દેવદારનું પાટિયું.
૧૧. ખાંડનો પુલાવ = એક જાતની મીઠાઈ. તે બનાવવા અચ્છેર ખાંડની ચાસણી કરી તેમાં બે માસા તજ, તેટલાં જ લવિંગ અને એલચી વાટીને નાખી તેમાં પાંચ રૂપિયાભાર ઘી નાખવું. પછી એક શેર સાફ ધોયેલા ચોખા અધકચરા ચોડવી, તેમાનું પાણી નિચોવી કાઢી તેને ઉપરની ચાસણીમાં નાખી દેવા. તેના ઉપર પાંચ રૂપિયાભાર ઘી નાખી પુલાવને ચડવા દેવો. પુલાવ ચડે એટલે તેને અંગાર ઉપર મૂકી ઢાંકી દઈ, સીઝે એટલે તેને થાળીમાં કાઢી નાખવો અને તેના ઉપર છોલેલી બદામની કાતરી, તેટલી જ પસ્તાંની કાતરી અને તેટલી જ સાફ ધોયેલી દ્રાક્ષ એ મેવો દશ રૂપિયાભાર ઘીમાં સાંતળીને નાખવો.
|