4 |
[ સં. સપ્ત; અપ. સત્ત ] |
वि. |
પાંચ ને બે; ૭. સાતની સંખ્યા શુભ સૂચક ગણાય છે. હિંદુ લોકો એકીની સંખ્યામાં ૩, ૫ અને ૭ એ મંગળસૂચક સંખ્યા ગણે છે. જેમકે, સાત સોપારી, સાત નાળિયેર, સાત સુહાસણ વગેરે. મોટાઈમાં, પૂર્ણતામાં અને છેલ્લી વાતમાં સાતનો અંક વપરાય છે. અગ્નિની જ્વાળા, અપ્સરા, અતળ, ઉપધાતુ, ઋષિ, કલ્પ, રામાયણના કાંડ, કીર્તિના લક્ષણ, ચિરંજીવી, તાલ, દ્વીપ, ધાતુ, પદાર્થ, પાતાળ, પુરી, બ્રહ્માના પુત્ર, ભૂમિકા, રાજ્યાંગ, સ્વર્ગલોક, સમુદ્ર, ગાયનના સ્વર વગેરે સાત છે. વળી લાંબી મુદ્દત દર્શાવવા કે ઘણી સંખ્યા દર્શાવવામાં આ સંખ્યાનો પ્રયોગ થાય છે. જેમકે, સાત તાડ ઊંચો; સાત લુચ્ચાનો લુચ્ચો; સાત વાર પાલવે તો; સાતમે માળ બેઠો છે વગેરે.
રૂઢિપ્રયોગ
૧. સાત ખોટનું = ઘણું જ વહાલું. સાત દીકરીઓ પછી ઘણી માનતાએ એક જ દીકરો થયો હોય તો તે સાત ખોટનો દીકરો ગણાય છે.
૨. સાત ગળણે ગાળવું-ગાળીને પાણી પીવું = ખૂબ વિચાર કરવો; ખૂબ જોઈ વિચારીને પગલું ભરવું; સારી પેઠે, બધી બાજુથી જોવું કે વિચારવું.
૩. સાત ગાઉથી નમસ્કાર = (૧) ખૂબ દૂર રહેવું; અલગ રહેવું; (૨) જરાપણ સંબંધ ન રાખવો.
૪. સાત ઘર ગણવાં = લોકોને ઘેર નિરર્થક ભટકવું.
૫. સાત-સાતે ઘોડે સાથે ચડવું = બઘાં કામ સાથે કરવાં; અનેક ફરજો એક સાથે બજાવવા નીકળવું.
૬. સાત તાડ ઊંચું = ઘણું ઊંચું.
૭. સાત નાગાનું નાગું = આબરૂ જેણે વેગળે મૂકી હોય તેવું; ઘણું જ લુચ્ચું; છેક જ દાંડ.
૮. સાત પાસની ચિંતા = ઘણી તરફની ચિંતા; ઘણી જાતની ચિંતા.
૯. સાત પાંચ ગણવા = નાસી જવું; પલાયન થઈ જવું.
૧૦. સાત પાંચ થવી કે વીતવી = સાંકડમાં આવવું; શું કરવું તેની સૂઝ પડે નહિ તેવી સ્થિતિમાં આવી પડવું; મહા મુશ્કેલી થવી; ભારે ગભરામણ થવી.
૧૧. સાત પાંચ પાલવવાનાં હોવાં = મોટા કુટુંબનું પોષણ કરવાનું હોવું.
૧૨. સાત પેઢી ઉથલાવવી-સાત પેઢીના ચોપડા ઉકેલવા = જૂની નવી બાબતો વિષે સખત ગાળો દેવી; સાત પેઢીની નિંદા કરવી; ખૂબ નિંદા કરવી.
૧૩. સાત ફેરા ગરજ હોવી = છૂટકો ન હોવો; અત્યંત જરૂર હોવી; પરવડતું હોવું.
૧૪. સાત મણ ને સવા શેરનું કાળજું હોવું = (૧) ખૂબ સાવધતા જણાવવી. (૨) ઘણી જ વજ્ર છાતીનું હોવું; જલદી હરબડે નહિ તેવું હોવું; ખૂબ કઠણ હોવું.
૧૫. સાત વીશે સો ગણે તેવું = છેક બેવકૂફ.
૧૬. સાત સાંધતાં તેર તૂટવા = ઊપજ કરતાં ખર્ચ વધી જવું; એક બાબતનું ખર્ચ માંડ પૂરું થયું ત્યાં બીજી અનેક બાબતનું ખર્ચ કરવાનું તૈયાર હોવું.
૧૭. સાત સૂયાણીએ વેતર વંઠે = ઘણા પટેલે ગામ વંઠે; ઘણા ગુલામે ઘર ઉજ્જડ; ઘણે હાથે રસોઈ ન સુધરે; એક બાબતમાં જ્યાં બધાં ડાહ્યાં થતાં હોય તો તે કામ સુધરે નહિ.
૧૮. સાતમાં શૂરૂં ને પાંચમાં પૂરું = ગમે તેમ ગબડે તેવું; જતાંની સાથે જાય ને આવતાંની સાથે આવે તેવું; સૌમાં મારો લાગો લાગે તેવું.
૧૯. સાતે અવતાર = જન્મજન્માંતરમાં.
૨૦. સાતે પાડે વસજો = ઘણો પરિવાર વધજો; છોકરાં છૈયાં ઘણાં થજો; લીલી વાડી થજો. એમ આશીર્વાદ દેવામાં બોલાય છે.
|