| 8 |
|
न. |
ચોવીશ માંહેનું દરેક તત્ત્વ. તે નીચે પ્રમાણે છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩) તેજ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) શ્રોત્ર, (૭) ત્વક્, (૮) ચક્ષુ, (૯) જિહ્વા, (૧૦) ઘ્રાણ, (૧૧) શબ્દ, (૧૨) સ્પર્શ, (૧૩) રૂપ, (૧૪) રસ, (૧૫) ગંધ, (૧૬) વાક્, (૧૭) પાણિ, (૧૮) પાદ, (૧૯) પાયુ, (૨૦) ઉપસ્થ, (૨૧) મન, (૨૨) બુદ્ધિ, (૨૩) ચિત્ત અને (૨૪) અહંકાર. માયા, મહત્તત્ત્વ, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ આઠ પ્રકૃતિ ગણાય છે. સત્ત્વ, રજ અને તમ એ માયાના ત્રણ ગુણો છે. અગિયાર ઇંદ્રિયો તથા પાંચ ભૂત મળીને સોળ વિકારો થાય છે. આઠ પ્રકૃતિ તથા સોળ વિકારો એકઠા થતાં ચોવીશ તત્ત્વો બને છે. તેમાં એક જ આત્મા સાક્ષીરૂપે રહે છે. ગીતા પંચામૃતમાં તેનો ઉલ્લેખ છે કેઃ ચાર્વાક વગેરે ચાર તત્ત્વ માને છેઃ પૃથ્વી, અપ્, તેજ અને વાયુ. યોગથી જીવ પેદા થાય છે. જીવ કે ચૈતન્ય ચારેના અમુક પ્રકારના એવું જડ તત્ત્વોથી જુદું કંઈ છે નહિ. જૈનો મુખ્ય બે તત્ત્વ માને છે. વિસ્તારથી તે ૭ કે ૯ થાય છે. જીવ બે પ્રકારનો છેઃ સમનસ્ક અને અમનસ્ક. અમનસ્ક બે પ્રકારનો છે: સ્થાવર અને ત્રસ. ત્રસ જીવ બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયોવાળા છે. એમ વિસ્તારથી જીવના ૫૬૩ ભેદ છે. અજીવ તત્ત્વ પાંચ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાલ પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ એટલે જીવનો પ્રદેશ અને કર્મપુદ્દગલ એ બંનેનું સંમેલન, મોક્ષ એટલે સમગ્ર કર્મનો ક્ષય થઈ જીવનું જે સ્વરૂપમાં અવસ્થાન થાય તે જૈનોના સાત તત્ત્વ છે, અને તેમાં જીવ અને અજીવ બે તત્ત્વ ઉમેરવાથી નવ તત્ત્વ થાય છે. ન્યાયમાં ૧૬ તત્ત્વ છેઃ પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન, વૈશેષિક મતે સાત તત્ત્વો છેઃ પહેલાં ૬ ભાવરૂપ અને ૭મો અભાવઃ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. સાંખ્યમતે પચીશ તત્ત્વો છેઃ મૂલપ્રકૃતિપ્રધાનથી મહત્તત્ત્વ પેદા થાય છે; મહત્ એટલે બુદ્ધિ કે અંતઃકરણ તેમાંથી અહંકાર થાય છે. અહંકારના તમાંશથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પાંચ તન્માત્રા થાય છે. આ ૭ માંથી બીજાં ૧૬ થાય છે. અહંકારના સત્ત્વાંશથી વાકૃ, પાણિ, પાદ, પાયુ, ઉપસ્થ એ પાંચ જ્ઞાનેંદ્રિય તથા શ્રોત્ર, ત્વક્, અક્ષિ, રસના, ઘ્રાણ એ પાંચ કર્મેંદ્રિય અને જ્ઞાન તથા કર્મ ઉભયાત્મક મન એ ૧૧ થાય છે. પંચતન્માત્રાથી અનુક્રમે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી એ પંચમહાભૂત થાય છે, એમ સોળ પદાર્થ બને છે. જે ૭ કહ્યાં તે પ્રકૃતિની વિકૃતિ છે અને આ સોળની પ્રકૃતિ છે. આ ૧૬ કોઈ બીજાંની પ્રકૃતિ નથી. આ સર્વેથી બધું વિશ્વ બને છે. યોગ મતે છવ્વીશ તત્ત્વો છેઃ સાંખ્યમાંનાં ૨૫ તત્ત્વ માનતાં પુરુષને મોક્ષબુદ્ધિ આપનાર પરમ જ્ઞાનવાન, નિત્ય, શુદ્ધ એવા એક ઈશ્વરની જરૂર સ્વીકારી છે, જેથી તેના શાસ્ત્રમાં ઈશ્વર સહિત ૨૬ તત્ત્વ થાય છે. શાક્તશાસ્ત્રમાં છત્રીશ તત્ત્વો સ્વીકારાયેલાં છે. તે બધાં તત્ત્વોના ત્રણ વ્યૂહ, પાડવામાં આવ્યા છે. જેમકે, શિવ વ્યૂહ, વિદ્યા વ્યૂહ અને આત્મ વ્યૂહ. શુદ્ધ મિશ્ર અને અશુદ્ધ જેવી ત્રણ અધ્વા કલ્પવામાં આવી છે અને દરેક અધ્વામાં અમુક અમુક તત્ત્વો આવેલાં છે. ૧૨ થી ૩ તત્ત્વો સાંખ્યદર્શનમાં મનાય છે તે જ છે અને તેમને આ શાક્તદર્શનમાં સ્વીકાર્યાં છે. એ તત્ત્વોમાં ક્ષેત્રજ્ઞ એટલે જીવનું સઘળું સાંસારિક સ્વરૂપ સમાય છે, માટે એ બધાંને આત્મતત્ત્વવ્યૂહ કહે છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ની ન્યૂનાધિક ભાવરહિત જે સામ્યસ્થિતિ છે તેને પ્રકૃતિ કહે છે. પ્રકૃતિનું કાર્ય મહત્તત્ત્વ, મહત્તત્ત્વનું કાર્ય અહંકાર, અહંકારનું કાર્ય પાંચ તન્માત્રા અને અગિયાર ઇંદ્રિયો, પાંચ તન્માત્રાનું કાર્ય પાંચ સ્થૂલ મહાભૂતો એ ચોવીસ જડતત્તવ છે અને એક ચેતનતત્ત્વ પુરુષ છે; એટલે બધાં મળી પચીશ તત્ત્વ છે. ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યસરિકામાં પણ આજ પચીશ તત્ત્વો માન્યાં છે. પુરુષાર્થબોધિનીમાં કહ્યું છે તેમઃ તત્ત્વ કુલ પચ્ચીસ છેઃ સત્ત્વ, રજ તથા તમ. આ ત્રણ ગુણોની સમઅવસ્થાનું નામ પ્રકૃતિ છે. આ જ સામ્યાવસ્થાને માટે પ્રકૃતિ, પ્રધાન, અવ્યક્ત, કારણ, મૂલ પ્રકૃતિ આદિ શબ્દ યોજાય છે. આ ૧લું તત્ત્વ છે. આ પહેલા તત્ત્વ પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ નામનું ૨ જું તત્ત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્ત્વ એટલે સર્વ જગતમાં વ્યાપનારૂં બુદ્ધિતત્ત્વ. જાગૃતિક બુદ્ધિ એવું પણ એનું નામ છે. મૂળ પ્રકૃતિમાંથી પહેલું કાર્ય આ બન્યું છે. આ મહત્તત્ત્વ, નામના બીજા તત્ત્વમાંથી અહંકાર નામના ત્રીજા તત્ત્વની ઉત્પત્તિ થઈ. અહંકારનો અર્થ `હુંપણું` છે. `હું ભિન્ન છું અને બીજા ભિન્ન છે` આ પ્રતીતિનું નામ અહંકાર છે. આ જ અહંકારના કારણે આ જગતમાં મર્યાદા, ભેદભાવ, દ્વૈતભાવ આદિ ઉત્પન્ન થાય છે. આ ત્રીજા તત્ત્વ અહંકારથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રા થઈ. તન્માત્રાનો અર્થ મૂળ સૂક્ષ્મતત્ત્વ, જેથી આ પાંચ ગુણોનો બોધ થાય છે. એ મૂળ શુદ્ધ તત્ત્વ છે. એનાથી પાંચ જ્ઞાનેંદ્રિય તથા પાંચ કર્મેંદ્રિય બની છે. કર્ણ, ત્વચા, ચક્ષુ, જિહ્વા, તથા નાસિકા એ પાંચ જ્ઞાનેંદ્રિય છે; અને વાક્, હાથ, પગ, ગુદા તથા ઉપસ્થ એ પાંચ કર્મેંદ્રિય છે. આ દશ ઇંદ્રિયો પૂર્વોક્ત તન્માત્રાઓથી ક્રમપૂર્વક બની છે. આ દશ ઇંદ્રિયોને બાહ્યઇંદ્રિયો કહે છે; બીજી અભ્યંતર ઇંદ્રિય મન છે; એ પણ અહંકારથી જ બન્યું છે. આ બધામાં અહંકાર હોવાથી પ્રત્યેક ઇંદ્રિયનાં ગુણ, કર્મ, સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. ગુણ, કર્મ, સ્વભાવોથી અર્થાત્ ધર્મકર્મની ભિન્નતા જ અહંકારનું લક્ષણ છે. પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય તથા મન મળી સોળ પદાર્થ અહંકારથી બન્યા છે. પાંચ તન્માત્રાઓથી પાંચ સ્થૂલ ભૂત બન્યા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ સ્થૂલ ભૂત છે. આ રીતે મૂલ પ્રકૃતિ, મહત્તત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ કર્મેંદ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિય, મન, પાંચ મહાભૂત અને આત્મા મળીને પચીશ તત્ત્વ છે.
|