દરેક વ્યક્તિને તેનો જન્મદિવસ પ્રિય હોય છે. વ્યક્તિ પોતાની જન્મતારીખની સાથે સાથે પોતાને પ્રિય પરિવારજન, મિત્રો વગેરેની જન્મતારીખ પણ યાદ રાખતી હોય છે. ચાલો, આજે આપણે જોઈએ કે ડિસેમ્બર માસમાં કયા કયા ગુજરાતી સાહિત્યકારનો જન્મદિવસ આવે છે.
કાકાસાહેબ કાલેલકર : તા. 01/12/1885ના રોજ મહારાષ્ટ્રના સતારામાં જન્મેલ કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. બી.એ., એલ.એલ.બી થયેલા કાકાસાહેબ જાણીતા નિબંધકાર અને પ્રવાસલેખક છે.
જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપર તેમની સારી પકડ હતી. તેમણે ગુજરાતી જોડણીકોશનું કામ પણ કરેલ છે અને તે બૃહદ ગુજરાતી કોશ નામે પ્રસિદ્ધ થયેલ છે. હિમાલયનો પ્રવાસ, જીવનનો આનંદ, સ્મરણયાત્રા, ઓતરાતી દીવાલો, રખડવાનો આનંદ તેમના જાણીતા પુસ્તકો છે. પદ્મવિભૂષણ પારિતોષિક મેળવેલ કાકાસાહેબનું નિધન 21/08/1981ના રોજ થયું હતું.
ઇન્દુલાલ ગાંધી : 8/12/1911ના રોજ મકનસર ખાતે જન્મેલ ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી એક કવિ હતા. તેમણે રચેલ આંધળી માનો કાગળ બહુ પ્રસિદ્ધ રચના છે.
આ ઉપરાંત તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ભાણી, ઉન્મેષ, પથ્થરના પારેવા વગેરે તેમના કાવ્યગ્રંથો છે. 10 જાન્યુઆરી 1986ના રોજ તેમનું નિધન થયું.
ખલીલ ધનતેજવી : 12/12/1935ના રોજ વડોદરના ધનતેજ ગામમાં જન્મેલ ખલીલ ઈસ્માઈલ મકરાણી જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર છે જે ખલીલ ધનતેજવીના ઉપનામથી ઓળખાય છે.
સાદગી, સારાંશ અને સરોવર તેમના જાણીતા ગઝલસંગ્રહ છે. તેઓ સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. હાલમાં તેઓ વડોદરા રહે છે.
તનસુખરાય ઓઝા : 20/12/1927ના રોજ ભાવનગરના શિહોરમાં જન્મેલ તનસુખરાય ઓઝા એક ગુજરાતી કવિ છે જે ‘શિવેન્દુ’ના ઉપનામથી ઓળખાય છે. ‘ભૂકંપ’, ‘પાયલ’, ‘તાંડવ’, ‘ચંદ્ર’, ‘પુદગલ’ એ એમના કાવ્યરચનાના ગ્રંથો છે.
નારાયણ દેસાઈ : 24/12/1924ના રોજ વલસાડ ખાતે મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી મહાદેવ દેસાઈને ત્યાં નારાયણ દેસાઈનો જન્મ થયો.
સમગ્ર વિશ્વમાં ગાંધીકથા શરૂ કરનાર નારાયણ દેસાઈએ પોતાના પિતા દ્વારા શરૂ કરાયેલ ગાંધી જીવનવૃત્તાંતને પૂર્ણ કર્યું. ચરિત્રકાર અને અનુવાદક નારાયણ દેસાઈનું 15 માર્ચ 2015ના રોજ નિધન થયું.
નિરંજન રાજ્યગુરુ : લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક અને લેખક તથા સત નિર્વાણ ફાઉન્ડેશનના સ્થાપક નિરંજન રાજ્યગુરુનો જન્મ 24/12/1954ના રોજ થયો.
તેમણે દાસી જીવણના ભજનો પર પીએચડી કરેલ છે.
દક્ષા વ્યાસ : 26/12/1941ના રોજ દક્ષાબહેનનો જન્મ વ્યારામાં થયો હતો. તેઓ એક સાહિત્યકાર અને વિવેચક છે.
તારક મહેતા : 26/12/1929ના રોજ અમદાવાદ ખાતે જન્મેલ તથા દુનિયાને ઊંધા ચશ્મા, તારક મહેતાના ઊંધા ચશ્મા, તારક મહેતાનો ટપુડોના સર્જક અને પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત તારક મહેતા એક પ્રખ્યાત હાસ્યલેખક અને નાટ્યલેખક હતા.
પન્ના નાયક : પ્રખ્યાત કવિયત્રી અને લેખક પન્ના નાયકનો જન્મ 28/12/1933ના રોજ મુંબઈમાં થયો.
તેમના દાદાએ ઐતિહાસિક નવલકથા ઈરાવતી લખી હતી. હાલમાં તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા છે.
કનૈયાલાલ મુનશી : ક. મા. મુનશી તરીકે પ્રખ્યાત કનૈયાલાલ મુનશીનો જન્મ 30/12/1887ના રોજ ભરૂચમાં થયો.
વકીલ, રાજકારણી અને સાહિત્યકાર ક. મા. મુનશીએ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, પૃથ્વીવલ્લભ, જય સોમનાથ, લોપામુદ્રા, કૃષ્ણાવતાર જેવી નવલકથાઓ આપી છે. મુંબઈમાં એક માર્ગનું નામ તેમના નામ પરથી રાખવામાં આવેલ છે.
ક. મા. મુનશી દ્વારા રચિત કેટલીક નવલકથાનો પરિચય મેળવવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો.
જો આપને આ લેખ ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.